સમ્રાટ અશોક : ક્રૂર રાજાથી મહાન સમ્રાટ બનવાની અદ્ભુત સફર.
પ્રસ્તાવના
શું તમે જાણો છો કે એક એવો રાજા હતો જેને લાખો લોકોના મૃત્યુ પછી હિંસા છોડી દીધી અને વિશ્વના મહાન રાજાઓમાં સ્થાન મેળવ્યું. તો ચાલો તેમના વિશે જાણકારી મેળવીએ અને જાણીએ કે એક રાજા જે ક્રૂર હિંસક હતો જેમાંથી તેને એક મહાન રાજાઓમાં સ્થાન કઈ રીતે મેળવ્યું. આ રાજા કોણ હતો એ તમે જાણતા જ હશો, એ રાજા હતો સમ્રાટ અશોક. તો ચાલો હવે આપણે તેની જીવનકથા વિશે ચર્ચા કરીએ.
| Year | Event |
|---|---|
| 345 BCE | ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ |
| 322 થી 298 BCE | મૌર્યવંશની સ્થાપના |
| 298 થી 272 BCE | બિંદુસાર |
| 304 BCE | સમ્રાટ અશોકનો જન્મ |
| 272 થી 232 BCE | અશોકનો શાસનકાળ |
| 261 BCE | કલિંગનું યુદ્ધ |
| પછી | બૌદ્ધ ધર્મ અપનાવ્યો |
| 232 BCE | અશોકનું અવસાન |
સમ્રાટ અશોક કોણ હતો?
ઈ.સ. પૂર્વેની ચોથી સદીમાં મૌર્ય સામ્રાજ્ય ની સ્થાપના થઈ ત્યારથી ગુજરાતમાં તદ્દન નવા જ ઐતિહાસિક કાળની શરૂઆત થઈ તેમ ગણાય છે. સૌપ્રથમ તો મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય નો જન્મ ઈ.સ. પૂર્વે 345 માં પીપલીવન ( નેપાળ ) માં રહેતી મૌર્ય નામની જાતિના નાયક ને ત્યાં થયો હતો. તેમના ગુરુ વિષ્ણુગુપ્ત (ચાણક્ય) ની મદદ થી તેમણે નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મૌર્ય વંશની સત્તા સ્થાપી હતી.
ત્યારબાદ તેમના પુત્ર બિંદુસાર મગધનો શાસક બન્યો હતો, અને ઈ.સ પૂર્વે 298 - 272 ના સમયગાળા દરમિયાન તેણે શાસન કર્યું. ત્યારબાદ સમગ્ર ભારત વર્ષનો સૌથી શક્તિશાળી મૌર્ય રાજવી એવો સમ્રાટ અશોક જે તેના પિતાના શાસન સમયે ઉજ્જૈનનો સુબો હતો. અને તેની માતાનું નામ રાણી ધર્મા (શુભદ્રાંગી) હતું. તેમનો વિધિવત રાજ્યાભિષેક 269 માં થયો હતો.
સમ્રાટ અશોકનું બાળપણ :-
સમ્રાટ અશોક (ઈ.સ. પૂર્વે 304) નું બાળપણ ખૂબ જ કઠોર અને શિસ્તબદ્ધ હતું. મૌર્ય સામ્રાજ્યના રાજકુમાર તરીકે તેમણે બાળપણથી જ રાજનીતિ અને યુદ્ધ કળા ને સઘન તાલીમ મેળવી હતી. બાળપણમાં જ મૌર્ય સમ્રાટ તલવારબાજી, ભાલાફેક, ઘોડેસવારી અને રણનીતિમાં અત્યંત પ્રવીણ બન્યા હતા.
આટલો મોડો રાજ્યાભિષેક કેમ થયો?
કેટલીક કથાઓ અનુસાર કહેવાય છે કે આટલો મોડો રાજ્યાભિષેક થવાનું કારણ એ હતું કે, અશોકના મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે સતત 4 વર્ષ સુધી સંઘર્ષો થયા હતા, જેમાં એક વાર સુસીમ અને અશોકની યોગ્યતા પ્રમાણિત કરવા માટે તેના પિતા દ્વારા બંને ભાઈઓ ને કહેવામાં આવ્યું કે રાજ્ય ની બહાર એક જંગલ આવેલું છે.
સૂર્યોદય થતા બંને વચ્ચે ઘોડાની સ્પર્ધા રાખવામાં આવશે. બંને ભાઈઓ માંથી જે પહેલા જંગલ માથી બહાર નીકળી અને રાજ્યમાં પહોંચશે તેને રાજા બનાવવામાં આવશે. પછી શંખ વાગ્યો અને સ્પર્ધા ચાલુ થઈ. સુસીમ થોડો આગળ નીકળી ગયો અને અશોકને હરાવવા માટે તેણે કુટનીતિ વાપરી. જંગલની અંદર રહેલી વેલો રસ્તામાં બાંધી દીધી અને જયારે અશોક ત્યાંથી નીકળ્યો ત્યારે તે ઘોડા સહિત જમીન પર પછડાયો અને એનાથી તેને ઘણી ઈજા થઈ.
હવે એના માટે સ્પર્ધા જીતવી મુશ્કેલ હતી. અશોકે પોતાની બુદ્ધિશક્તિ વડે વિચાર કર્યો અને તેને લાગ્યું કે જો ચાલીને પર્વત પર ચડી અને ઉતરીએ તો સુસીમ કરતા વહેલા રાજ્ય માં પહોંચી જવાય. આમ મૌર્ય સમ્રાટ સુસીમ પહેલા રાજ્યમાં પહોંચ્યો. અને તેને આવાતો ઘણા બધા સંઘર્ષો કર્યા હતા તેથી તેનો રાજ્યાભિષેક આટલો મોડો થયો હતો.
શા માટે કલિંગનું યુદ્ધ થયું?
પ્રાચીન ભારતના મહાન મૌર્ય સમ્રાટ અશોક તેમના શાસનકાળના પ્રારંભિક કાળમાં અત્યંત ક્રૂર અને નિર્દય હતા. મગધની પડોશમાં આવેલું કલિંગ (હાલનું ઓડીશા) નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. પરંતુ મોર્ય શાસનની સ્થાપના સમયે જાતે જ મોર્ય સામ્રાજયથી અલગ થયું હતું, તે વાત અશોકને ગમતી નહોતી. તેથી અશોક દ્વારા કલિંગ ને પાછુ પોતાના સામ્રાજ્યમાં ભેળવવા માટે કલિંગના રાજા જયંત સામે ઈ.પૂર્વે. 261 માં યુદ્ધ જાહેર કર્યું. આથી સમ્રાટ અશોક "ચંડ અશોક" તરીકે પણ ઓળખવામાં આવ્યા.
કલિંગનું યુદ્ધ અને હૃદય પરિવર્તન
યુદ્ધ જાહેર થયું અને તેમાં અશોકનો વિજય થાય છે, યુદ્ધ પછી અશોક અને તેના સાથી મિત્રો યુદ્ધના દ્રશ્યો જોવા માટે જાય છે. ત્યાં જતા અશોકને ભારે શોકની અનુભૂતિ અને અપાર દુઃખ થાય છે. કારણ કે તેને જોયું કે યુદ્ધમાં 100000 જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને 150000 જેટલા લોકોને જેલમાં બંદી બનાવ્યા હતા. એટલુ જ નહિ પણ યુદ્ધ સ્થળે મૃત્યુ પામનાર સૈનિકો, રાજાની રાણીઓ અને તેમના નાના નાના બાળકો ખૂબ જ રડતા હતા, અને તેને કેટલાક કડવા શબ્દો કેહતા હતા, કે તું કોઈ દિવસ સુ:ખની પ્રાપ્તિ કરી શકીશ નહિ.
આ શબ્દો સાંભળીને અશોકના હૃદયમાં ભારે સંતાપ થયો અને દુઃખની લાગણી થઈ. કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બન્યું. ત્યારબાદ તેણે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશ લઈ અને તેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, શસ્ત્રો મૂકી અને શાસ્ત્રોના શરણે ગયો. રાજવી પુરુષમાંથી ધર્માનુંરાગી પુરુષ બન્યો.
અશોકના શિલાલેખો અને સ્તંભો
અશોકના શિલાલેખો જેમ કે ગુજરાતના જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલ શિલાલેખો પ્રજાને સંદેશ આપવા માટે અનેક શિલાલેખો કોતરાવ્યા હતા જેની ભાષા પ્રાકૃત (પાલી અને બ્રાહ્મી) હતી, જેથી લોકો સરળતાથી સમજી શકે. આ શિલાલેખોમાં અશોક જણાવવા માંગતો હતો કે યુદ્ધથી લોકોના દિલ જીતવા કરતા ધમ્મથી લોકોના દિલ જીતવા તે જબરદસ્તી યુદ્ધ જીતવા કરતા ખુબ જ સારી બાબત છે. આ સિવાય અશોક જણાવે છે કે, આજ પછી હું અને મારા પુત્રો કે પૌત્ર કદી યુદ્ધ નહીં કરીએ.
જુનાગઢમાં દામોદર કુંડ પાસે અશોકનો શિલાલેખ આવેલો છે, આ શિલાલેખ 12 ફૂટ ઊંચો છે. અશોકે આ શિલાલેખમાં 14 ધર્મ આજ્ઞાઓ કોતરાવેલી છે, જેમાં ધર્મ બરાબર પાળવો, ઔષધીનું વાવેતર કરવું, યજ્ઞ માટે પશુવધ ન કરવો, બ્રાહ્મણોનો સત્કાર કરવો, દરેક ધર્મ પ્રત્યે તેમણે પોતાના સામ્રાજ્યના રાજ્ય કલ્યાણ, માનવતા અને ધર્મના પ્રચારને મહત્વ આપ્યું. જેમાં ત્રણ રાજાઓના શિલાલેખ છે જેમાં, 1 મહાક્ષત્રપ રૂદદામા 2 ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા બનાવેલ સુદર્શન તળાવ 3 અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા બનાવેલ સિંચાઈ માટેની નહેરોનો ઉલ્લેખ કરેલો છે. જેનાથી તેઓ ઇતિહાસમાં "મહાન" તરીકે ઓળખાયા.
આ શિવાય સારનાથ ખાતે અશોકનો સ્તંભ મળી આવેલો છે, એટલું જ નહીં પણ તેની ટોચ ઉપર સિંહની ચાર મુખ વાળી મૂર્તિ પણ આવેલી છે, જે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે. અને આ શિવાય તેની નીચે અશોકચક્ર પણ આવેલું છે જે વિવિધ ધર્મ આજ્ઞાઓનો ઉલ્લેખ કરે છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં પણ અશોકચક્ર આપવામાં આવેલ છે, જે રાષ્ટ્રધ્વજની શોભા વધારે છે.
સમ્રાટ અશોક "ધ ગ્રેટ" કેમ બન્યો?
સમ્રાટ અશોક ની મહાન મહત્વકાંક્ષા એ સમગ્ર ભારતવર્ષને એક વિશાળ સામ્રાજ્યમાં બાંધવાની ન હતી, પરંતુ પોતાના શાસનકાળ દરમિયાન એક એવું કલ્યાણકારી અને શાંતિપૂર્ણ સામ્રાજ્ય ઊભું કરવાની હતી જે માનવતા ના ઈતિહાસમાં અદ્ભુત હોય.
ધર્મના પ્રચારક તરીકેના અશોક ના કાર્યો :-
શાંતિ અને અહિંસા :
તેમણે પશુવધ પર પ્રતિબંધ મૂક્યો અને જીવદયાના પાઠ ભણાવ્યા.
જનકલ્યાણ :
પ્રજાની સુખાકારી માટે રસ્તાઓ બનાવ્યા, વૃક્ષારોપણ કરાવ્યું અને ઠેર ઠેર દવાખાનાઓ તેમજ વિશ્રામગૃહો અને ધર્મશાળાઓ ખોલાવી.
ધર્મનો પ્રચાર :
બૌદ્ધ ધર્મનાં પ્રચાર માટે તેમને પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા.
ઉપસંહાર :
ઈતિહાસકારોના મતે એવું કહેવામાં આવે છે કે મગધના સમ્રાટ અશોકે પોતાના 99 ભાઈઓની હત્યા કરીને સત્તા મેળવેલી, પરંતુ એક ભીષણસંહાર કલિંગનું યુદ્ધ કરનાર એક ક્રૂર, નિર્દયી રાજા માંથી એક મહાન રાજા બનવાની સફર એ કોઈપણ વ્યક્તિને ઉદાહરણ પૂરું પાડે છે કે જીવનમાં ગમે તેટલી ભૂલો કરી હોય કે ક્રૂરતા કરી હોય તો પણ માણસ એક મહાન વ્યક્તિ બની શકે છે.
તો મિત્રો સમ્રાટ અશોક ની આ સફર વિશે જાણીને તમને ખાસ એવો આનંદ જરૂર મળ્યો હશે કે, તમે આ સફરને પોતાના જીવનમાં ઉતારશો. અને હા એક ખાસ વાત એ છે કે, અશોક નું અવસાન ઇ.સ. પૂર્વે 232 માં 72 વર્ષની ઉંમરે થયું હતું. સમ્રાટ અશોક નું જીવન બતાવે છે કે એક ક્રૂર વ્યક્તિ પણ પોતાની ભૂલો સમજીને મહાન બની શકે છે.











