ભારત સુધીનો દરિયાઈ માર્ગ કોણે શોધ્યો? વાસ્કો-ડી-ગામા, કોલંબસ અને પોર્ટુગીઝોના ભારત આગમનનો સંપૂર્ણ ઇતિહાસ

Itihas Lok
0

ભારત સુધીનો દરિયાઈ માર્ગ કોણે શોધ્યો? વાસ્કો-ડી-ગામા, કોલંબસ અને પોર્ટુગીઝોના ભારત આગમનનો સંપૂર્ણ ઇતિહાસ


પ્રસ્તાવના


ભારતને જુના સમયથી "સોને કી ચીડિયા" ના નામથી ઓળખવામાં આવે છે. એનો અર્થ એવો નથી કે ભારતમાં સોનાની ચકલીઓ હતી, પરંતુ એનો અર્થ એવો છે કે ભારત દેશ સુખસમૃદ્ધિથી ભરેલો દેશ હતો. તેમજ રાજાઓ પોતાની પ્રજા માટે ખૂબ ઉપયોગી કામો કરતા હતા. એટલું જ નહીં, પરંતુ ભારતમાં અનેક પ્રકારના ખેતી પાકો તેમજ કૌશલ્ય ધરાવતા લોકો દ્વારા તૈયાર થયેલી ઈમારતો, મંદિરો, મહેલો, હડપ્પા અને મોહેંજો-દડોની વિશિષ્ટ નગર રચના તેમજ લોથલ જેવા ઐતિહાસિક સ્થળો મળી આવ્યા છે. તેમજ જુના સમયમાં ભારત દેશ તેના મરી-મસાલા માટે પણ વિશ્વના અન્ય દેશોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

વર્ષ ઘટના
1453 કોન્સ્ટેન્ટિનોપલ પર તુર્કોનો કબજો
1487–1488 બાર્થોલોમિયો ડાયસ કેપ ઓફ ગુડ હોપ પહોંચ્યો
1492 ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચ્યો
20 મે 1498 વાસ્કો-ડી-ગામા કાલિકટ પહોંચ્યો
1498 પછી પોર્ટુગીઝ વેપારની શરૂઆત
1961 ગોવાની મુક્તિ


ભારત દેશમાં શા માટે અન્ય દેશની પ્રજાનું આગમન થયું?


શરૂઆતમાં ભારતનો સૌથી સારો સંબંધ યુરોપના દેશો સાથે હતો કારણ કે, યુરોપના દેશોમાં જે લોકો માંસાહારી હતા તેઓને ભારતના મરી-મસાલા ખૂબ જ પસંદ હતા. ભારતમાં ચોખા, કપાસ, શણ, રેશમ, સુતરાઉ કાપડ, ગળી, આ ઉપરાંત ઢાકાનું મલમલનું કાપડ જે ખૂબ પ્રખ્યાત હતું. આવી ઘણી પ્રકારની વસ્તુઓ ભારતથી યુરોપિયન દેશોની અંદર જતી હતી. તેના માટે લોકો ખૂબ જુના સમયથી વેપાર કરતા હતા. તે વેપાર જળમાર્ગે થતો હતો. તેમને યુરોપથી ભારત આવવા માટે દરિયાની સફર કરવી પડતી હતી.

ભારત શોધવાની કેમ જરૂર પડી?


આપણે જોયું કે ભારતના યુરોપિયન દેશો સાથે ખૂબ સારા વેપારી સંબંધો હતા. સદીઓથી યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર 'સિલ્ક રૂટ' અને અન્ય જમીનમાર્ગો દ્વારા ચાલતો હતો. કોન્સ્ટેન્ટિનોપલ અથવા ઈસ્તંબુલ એ યુરોપનો પ્રવેશદ્વાર ગણાતું હતું એટલે કે યુરોપનું "એન્ટ્રી પોઈન્ટ" હતું. તેના પર ૧૪૫૩માં તુર્ક મુસ્લિમો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું, તેથી યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. તુર્કો દ્વારા યુરોપિયન વેપારીઓ પાસેથી અતિશય ભારે કર વસૂલવામાં આવતો હતો, જેના કારણે ભારતીય મસાલા યુરોપમાં ૧૦ થી ૬૦ ગણા મોંઘા થઈ ગયા હતા. યુરોપિયન પ્રજાને ભારતના મરી-મસાલા વિના ચાલે એમ ન હતું, તેથી યુરોપિયન પ્રજાને ભારત આવવા માટેનો આ જળમાર્ગ શોધવાની જરૂર પડી. 

ભારતના માત્ર મરી-મસાલા જ નહીં, પણ સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, આ ઉપરાંત ગળી પણ જરૂરી હતી, કેમ કે બીજા બધા દેશની ગળી કરતાં ભારત દેશની ગળીની એક વિશેષતા હતી કે, જ્યારે ગળીનો રંગ કાપડ ઉપર નાખવામાં આવતો ત્યારે એનો રંગ ઉપસી આવતો હતો. એટલા માટે ગળી પણ તેમના માટે ખૂબ જરૂરી હતી અને મરી-મસાલા યુરોપના ઠંડા પ્રદેશોના આરોગ્ય માટે જરૂરી હતા તેમજ ભોજનના સ્વાદ માટે પણ ખૂબ જરૂર હતી. આ બધી જ વસ્તુઓ અચાનક મળતી બંધ થઈ ગઈ તો હવે ફરી વેપાર કરવા નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી હતી. યુરોપમાંથી સ્પેન અને પોર્ટુગલ આ બે દેશો નવા માર્ગની શોધખોળ માટે પ્રયત્નશીલ હતા. તેઓને ઈટાલિયન વેપારીઓની મોનોપોલી તોડવી હતી અને સીધો જ ભારત સાથે વેપાર કરી ધનવાન બનવું હતું.

ભારત શોધવાની અદ્ભુત સફર


બાર્થોલોમિયો ડાયસ


પોર્ટુગલના રાજા કે જેનું નામ પ્રિન્સ હેનરી હતું તેણે કહ્યું, "ગમે તે થાય, હું મારી પ્રજાને નુકસાન નહીં થવા દઉં" અને પ્રિન્સ હેનરીએ જવાબદારી લીધી કે "હું કોઈપણ સંજોગોમાં તમને ભારત પહોંચાડીશ." એના માટે તેણે રાજ્યમાં ખાસ આદેશ આપતા કહ્યું કે "મને જે દરિયાનો સારામાં સારો જાણકાર શોધી આપશે એને હું ઈનામ આપીશ." તો તેને દરિયાના સારામાં સારા જાણકાર માણસો મળ્યા પણ ખરા. પછી તેમની મદદથી તેણે નેવી ડેવલપ કરી અને તેના લીધે પ્રિન્સ હેનરીનું ઉપનામ "હેનરી ધ નેવિગેટર" રાખવામાં આવ્યું હતું. તો આના પરથી એવું કહી શકાય કે ભારત સુધીના જળમાર્ગની શોધખોળની પહેલી મોટી શરૂઆત પોર્ટુગલ તરફથી થતી હોય છે. 

પોર્ટુગલ તરફથી સૌપ્રથમ જે વ્યક્તિ નીકળે છે તે ઈ.સ. 1487-88 આજુબાજુના સમયમાં નીકળે છે, જે પોર્ટુગીઝ વતની હોય છે અને તેનું નામ 'બાર્થોલોમિયો ડાયસ' હોય છે. જે પોતાની સાહસ યાત્રાની શરૂઆત યુરોપની અંદર પોર્ટુગલની રાજધાની જેનું નામ લિસબન હતું ત્યાંથી કરે છે અને ત્યાંથી ધીરે-ધીરે આગળ વધે છે. પ્રથમ વ્યક્તિ માત્ર આફ્રિકાના દક્ષિણતમ છેડા સુધી જ પહોંચી શકે છે અને દક્ષિણ તરફ જતા સમુદ્રમાં કેટલાક વમળો આવે છે અને સમુદ્રી વમળોને લીધે જહાજ એમાં ફસાઈ જાય છે. થોડું જોખમવાળું હોવા છતાં બાર્થોલોમિયો ડાયસે પ્રયત્ન કર્યો અને સફળતા મળી. "કેપ ઓફ ગુડ હોપ" સુધી તે પહોંચી ગયો પણ એને ભારત હજુ મળ્યું ન હતું. પણ એને આશા તો અવશ્ય મળી હતી તેથી જ કેપ ઓફ ગુડ હોપને આશાની ભૂશિર (આશાની પૂંછડી) એવું પણ કહેવામાં આવે છે.

ક્રિસ્ટોફર કોલંબસ


તેના પછી બીજો વ્યક્તિ તૈયાર થાય છે જે ઈટાલીનો હતો અને તેનું નામ ક્રિસ્ટોફર કોલંબસ હતું. જેમનો મુખ્ય ધ્યેય એટલાન્ટિક મહાસાગર ઓળંગી પશ્ચિમ દિશામાંથી ભારત પહોંચવાનો હતો. પૃથ્વી ગોળ છે એમ માની અને આ સફરની શરૂઆત કરે છે. એ સમય એવો હતો કે જ્યારે યુરોપને ભારત સુધી પહોંચવાનો સીધો રસ્તો ખબર ન હતી અને ત્યારે કોલંબસે પશ્ચિમ દિશામાં એટલે કે એટલાન્ટિક મહાસાગર પાર કરીને ભારત પહોંચવાનો દાવો કર્યો, પણ ખરેખર તેણે ૧૪૯૨માં અજાણતા અમેરિકાની શોધ કરી હતી. જીવનના અંત સુધી તેને એવું જ હતું કે મેં ભારતની શોધ કરી લીધી છે પણ ખરેખર એવું ન હતું. ક્રિસ્ટોફર કોલંબસના પહોંચ્યાના ૫૦૦ વર્ષ પહેલા યુરોપના વાયકિંગ્સ નામની જાતિના લોકો ઉત્તર અમેરિકા પહોંચી ગયા હતા. ખરેખર તો અમેરિકાનું નામ એક ઈટાલિયન સંશોધક "અમેરિગો વેસપૂચી"ના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેને સાબિત કર્યું હતું કે ક્રિસ્ટોફર કોલંબસે ભારતની શોધ કરી નથી.

વાસ્કો-ડી-ગામા


ત્યાર બાદ ત્રીજો વ્યક્તિ જે પોર્ટુગલ નાવિક વાસ્કો-ડી-ગામા હતો અને તે પોર્ટુગલના રાજાના કહેવાથી દરિયાઈ માર્ગ શોધવા નીકળ્યો હતો. હવે તેને જૂના વ્યક્તિની શોધ ઉપરથી આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ સુધીનો રસ્તો ખબર જ હતી. પણ ત્યાં પહોંચવા માટે તેને ઘણા દિવસો સુધી દરિયાઈ સફર કરવી પડે તેમ હતી, તેથી તેને ઘણો જીવનજરૂરી સામાન સાથે લીધો હતો. શરૂઆતમાં સફર ખૂબ સારી ચાલી પણ જેમ-જેમ સમય વિતવા લાગ્યો તેમ-તેમ તેની સાથેનો ખાવાનો સામાન ખરાબ થવા લાગ્યો અને બગડેલી બ્રેડ ખાઈને તેણે સફર ચાલુ રાખી. તેનું શરીર સુકાઈ ગયું પણ હિંમત ન હાર્યો અને કેપ ઓફ ગુડ હોપ થઈને હોડીમાં આગળ વધ્યો. ખૂબ સંઘર્ષ પછી એક ભારતીય ખલાસીની મદદથી તે ૨૦ મે ૧૪૯૮ના રોજ ભારતના કેરળ રાજ્યના દરિયાકાંઠે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાં રાજા ઝામોરીનનું રાજ્ય હતું અને તેને સાબિત કરી દેખાડ્યું અને સાથે જ ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધ્યો.

પોર્ટુગીઝોનો ભારત સાથે વેપાર


ઘણી પ્રાચીન કથાઓ અનુસાર કહેવાય છે કે ભારતની સમૃદ્ધિ જોઈ અને વાસ્કો-ડી-ગામાને લાગ્યું કે અહીં વેપાર પણ કરવા જેવો છે તેથી તે રાજાના દરબારમાં ગયો અને ઝામોરીન પાસે વેપારની પરવાનગી માગી તો રાજાએ કહ્યું કે "અમારા દેશમાં બહારના વ્યક્તિને વેપારની છૂટ નથી આપી શકતા." આ સાંભળી વાસ્કો-ડી-ગામાએ બુદ્ધિથી કામ લઈ અને રાજાને દૂધનો ગ્લાસ મંગાવવાનું કહ્યું. ત્યારબાદ થોડી ખાંડ પણ મંગાવી અને ખાંડને દૂધમાં નાખી પણ દૂધ નીચે ન પડ્યું. ત્યારબાદ તેણે રાજાને કહ્યું કે દૂધમાં જેમ ખાંડ ભળી તેમ અમે તમારી સાથે મળી વેપાર કરશું, તમને કોઈ પણ રીતે અડચણરૂપ નહીં બનીએ. આમ વાસ્કો-ડી-ગામાએ પોતાની બુદ્ધિની ચતુરાઈ વડે વેપારનો પરવાનો રાજા પાસેથી મેળવી લીધો. આમ ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી.

પોર્ટુગીઝો ભારતમાં આવ્યા ત્યારે બટાકા, ટામેટાં, મરચાં, પપૈયા, જામફળ, અનાનસ, કાજુ અને તમાકુ જેવી વસ્તુઓ લાવ્યા, જે આજે પણ ભારતીય ભોજનનો મુખ્ય ભાગ બની ગયો છે. એક ઉદ્દેશ વેપારનો તો હતો જ પણ સાથે જ બીજો ઉદ્દેશ હતો કે ધાર્મિક અને સાંસ્કૃતિક ઉપર પ્રભાવ પાડવો. તેમણે ભારતમાં ખાસ કરીને ગોવા, દીવ અને દમણમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો અને ત્યાં પોર્ટુગીઝ સંસ્કૃતિની છાપ છોડી. પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત થઈ અને જહાજ બનાવવાનો ઉદ્યોગ પણ સ્થાપ્યો. પોર્ટુગીઝોએ ભારતમાં લગભગ 450 વર્ષ સુધી શાસન કર્યું અને ભારતને આઝાદી મળ્યા પછી 1961માં ભારતીય સેનાએ ગોવાને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવ્યું.

ઉપસંહાર


ખાસ કરીને સાચી વાત તો એ છે કે, ક્રિસ્ટોફર કોલંબસ ક્યારેય ભારતમાં આવ્યો જ નહોતો. તે ભારત પહોંચવા નીકળ્યો હતો, પરંતુ ભૂલથી અમેરિકા પહોંચી ગયો હતો. ત્યારબાદ વાસ્કો-ડી-ગામા આવ્યો અને ભારત સુધીના દરિયાઈ માર્ગની શોધ એક રોમાંચક સફર બની હતી. પોર્ટુગલ દ્વારા શોધાયેલા નવા જળમાર્ગથી મુખ્યત્વે મસાલા, સુતરાઉ કાપડ, ગળી, શેરડી, ઢાકાનું મલમલ, તમાકુના આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટો લાભ થયો હતો, જેથી તેમને અઢળક નફો મળ્યો. આરબ વેપારીઓ ભારે કર ઉઘરાવતા હતા તેમાંથી તેમને મુક્તિ મળી અને નવો જળમાર્ગ મળવાથી ખરી બચત થવા લાગી. માત્ર મસાલા જ નહીં પણ ભારતના સમૃદ્ધ બજારોમાંથી કાચો રેશમ, અફીણ અને વિવિધ હસ્તકલાની ચીજોનો વેપાર કરીને પોર્ટુગલ વિશ્વની મહાસત્તાઓમાંનું એક બન્યું હતું. તેમજ ભારત સુધીના નવા શોધાયેલા જળમાર્ગે રાજકારણ અને દુનિયાના ઈતિહાસને સદાકાળ માટે બદલી નાખ્યો હતો.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!